“મમ્મી, ઈઠ્યોતેર એટલે કેટલા?”- ઇંગલિશ બોલનારા લોકો હંમેશા હોશિયાર જ હોય?

— ઋત્વિજ પટેલ

ઇંગલિશ એ વૈશ્વિક ભાષા છે એ માન્યતા ભૂલ ભરેલી છે. વિશ્વમાં અમેરિકા,ઇંગ્લેન્ડ જેવા ગણ્યા ગાઠયાં દેશોમાં જ ઇંગલિશ માતૃભાષા તરીકે બોલાય છે. વિકિપીડિયાના મતે ભારતના 125 કરોડ લોકોમાંથી 12 કરોડ લોકો ઇંગલિશ જાણે છે તથા 2,25,000 જેટલા લોકોની માતૃભાષા ઇંગલિશ છે. જે ભારતની કુલ વસ્તીના 0.018% લોકો છે.

શબ્દોની દ્રષ્ટિએ જોઈએ તો અંગ્રેજી ભાષા વિશ્વની સૌથી કંગાળ ભાષા છે. માતૃ શબ્દમાંથી  Mother, ભ્રાતૃ શબ્દમાંથી Brother .આવા તો કેટલાય શબ્દો સંસ્કૃત તથા બીજી ભાષાઓમાંથી ઉધાર લીધેલા છે. કાકા, મામા, માસા, ફુઆ બધા માટે ‘અંકલ’ શબ્દ છે. જયારે આપણી ભાષાઓ એક એક શબ્દના 4 અર્થ થાય એવી વિસ્તૃત છે.

5000 બાળકો પર કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે તો અંગ્રેજી માધ્યમના બાળકો કરતા ગુજરાતી માધ્યમના બાળકો વધારે હોશિયાર હોય છે. જુઓ આ વિડીયો, ફાંકડું અંગ્રેજી બોલનારા ‘હોશિયાર’ લોકોને સામાન્ય જ્ઞાનના અમુક પ્રશ્નો કરવામાં આવેલા જેમ કે ‘સાત ખંડોના નામ જણાવો’, એમના જવાબો ચિંતિત કરનારા છે કે આ પેઢી ક્યાં જઈ રહી છે?

 

આજે મોટા ભાગની કંપનીઓનો અમેરિકા સાથે વ્યવહાર હોય છે જેથી તેમની માટે ઇંગલિશ બોલવું સમજવું જરૂરી છે. પણ ભારતીય સંસ્થાઓ કે જેમનું કાર્યક્ષેત્ર ભારત પૂરતું છે અથવા જે તે રાજ્ય પૂરતું છે તેમને પણ ઇંગલિશ બોલવું કે ઇંગલિશમાં ઈમેલ કરવા કેમ જરૂરી છે તે નથી સમજાતું. કદાચ એટલે કે અંગ્રેજી બોલનારા લોકો હોશિયાર હોય છે એવી ભૂલ ભરેલી માન્યતા આપણા ગુલામ મગજમાં ઘર કરી ગઈ છે.

ઘણા પરિવારોમાં છોકરાઓ તેમના વડીલને પૂછે છે કે, “મમ્મી, ઈઠ્યોતેર એટલે કેટલા ?” અને મમ્મી હરખાતા જવાબ આપે કે, “બેટા, ઈઠ્યોતેર એટલે સેવન્ટી એઈટ” . શું આવા ભારતની કલ્પના કરી હતી મહારાણા પ્રતાપ, ચાણક્ય અને વિક્રમાદિત્ય જેવા મહાપુરુષોએ ? આવા ભારત માટે હસતા મોઢે ફાંસીએ ચડ્યા હતા ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ?? આવા ભારત માટે આપણા ક્રાંતિકારીઓ દેશ માટે વીરગતિ પામેલા ? ભારત માટે જીવ આપી દેનારા ક્રાંતિકારીઓમાંથી કેટલા અંગ્રેજી જાણતા હતા ?

આપણી એવી તો શું મજબૂરી છે કે હજુ ન્યાય વ્યવસ્થા અને શાશન વ્યવસ્થામાંથી અંગ્રેજી આપણે કાઢી શક્યા નથી ? જાપાન,ચીન જેવા દેશોમાં અંગ્રેજી કરતા તેમની માતૃભાષા વધારે પ્રચલિત છે. તેથીજ તેઓ એ ખુબ પ્રગતિ કરી છે. તમને લાગે છે કે તમારા બાળકોએ અંગ્રેજી શીખવું જરૂરી છે, તો પણ માતૃભાષાના ભોગે અંગ્રેજી શીખીને શું ઉખાડી લેવાના એ બાળકો ? ઘણા બુદ્ધિજીવીઓ છાતી ઠોકીને કહી ચુક્યા છે કે, બાળકને શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં જ કરાવવો જોઈએ.કેમ કે તે બાળક માતૃ ભાષા માતાના ગર્ભમાં હોય ત્યાર થી સાંભળીને શીખેલું હોય છે. કોલેજના ભણતર માટે માંડ 500 અંગ્રેજી શબ્દો સમજવા જરૂરી છે. તો એ માટે કરીને બાળકને બાળમંદિરથી જ અંગ્રેજી માધ્યમમાં મૂકીને કઈ હોશિયારી બતાવી રહ્યા છીએ આપણે? અને બાળકને માતૃ ભાષા નથી આવડતી એમાં ગર્વ શેનો લો છો?

સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓને ધોરણ 5 થી અંગ્રેજી શીખવવાનું શરુ કરવામાં આવતું. એ જ બાળકો ધોરણ 12 સુધીમાં તો 90 માર્ક્સ લાવે એવું અંગ્રેજી શીખી જાય છે અને આગળ જઈને ડોક્ટર, એન્જીનીયર બને જ છે. પાયો પાકો હોય એ ઇમારત મજબૂત જ રહે

એમાં કશું નવાઈની વાત જ નથી. તો બાળમંદિર થી અંગ્રેજી માધ્યમ પાછળનું તમારું આ ગાંડપણ તમારા બાળકના ભવિષ્ય માટે કેટલું જોખમી છે તેની ગંભીરતા સમજવાનો પ્રયાસ કર્યો છે કદી ?
મેં અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં એવા ઘણા દંભી લોકો જોયા છે. મોંઘી રેસ્ટોરેન્ટમાં જશે એટલે અંગ્રેજીમાં વાતો કરશે (એમાં ય વ્યાકરણની ભૂલો તો ખરી જ ) અને કાઠિયાવાડી રેસ્ટોરેન્ટ માં જશે એટલે એટલે ખાટલા પર બેસીને જમતી વખતે ગુજરાતીમાં વાતો કરશે. એટલું તો સમજો કે એ રેસ્ટોરન્ટ ગમે તેવી મોંઘી હોય, ત્યાં ગમે તે લોકો આવતા હોય પણ છે તો ગુજરાત માં જ ને. 6.5 કરોડ ગુજરાતીઓમાં થી ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા 6 કરોડથી વધુ છે તો ગુજરાતમાં કોઈ પણ જગ્યા એ જઈને ગુજરાતી બોલવામાં શરમ કેમની ?

આજે જ સંકલ્પ કરીએ કે આપણા બાળકોને ઓછામાં ઓછું ધોરણ 5 સુધી માતૃભાષામાં જ અભ્યાસ કરાવીએ. શાળામાં શક્ય ન હોય તો આપણે જાતે સમય ફાળવીએ અને માતૃભષા લખતા, વાંચતા અને બોલતા શીખવીએ. વધુમાં વધુ લોકો આ બાબત સમજે  તે માટે આ લેખને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે શેર કરીશું.

 

Comments

comments