ઈવાંજેલિસ્ટો દ્વારા કઈ રીતે દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટીની શોધ કરાઈ?

Written by : Rajiv Malhotra

Translated by: Udit Shah

મોટાં ભાગનાં ઉદારમતવાદી અમેરિકનો evangelicalsની આંતરરાષ્ટ્રીય રાજકીય ચાલબાજીથી અજાણ છે. અમેરિકાનાં જમણેરી ખ્રિસ્તીઓ દ્વારા ભંડોળ અને ટેકો પામતાં તેઓ વિદેશોમાં ખ્રિસ્તી ધર્મની અક્ષરશઃ અને આત્યંતિક બાજુને પ્રસ્તુત કરીને છેતરપિંડી દ્વારા કટ્ટરવાદી ખ્રિસ્તી રાજકીય કાર્યસૂચિ ચલાવે છે.

જ્યાં સંસ્થાનવાદીઓ મૂકી ગયાં ત્યાંથી શરુ કરીને ખુબ આગળ વધીને તેઓએ નકારાયેલી જાતિવાદની માન્યતાને ભારતમાં પુનઃજીવિત કરી અને “ભાગલા પાડો અને રાજ કરો”ની ખતરનાક રમત હેઠળ બનાવટી  શિષ્યવૃત્તિઓ ઉભી કરી છે.

દક્ષિણ ભારતમાં દ્રવિડિયન ખ્રિસ્તી ધર્મ તરીકે એક તદ્દન નવી ઓળખ ઉભી કરાઈ રહી છે. બે ભિન્ન દંતકથાઓનો આ તકવાદી સંગમ છે: એક દ્રવિડિયન જાતિ  અને  બીજું એ કે શરૂઆતનાં સમયમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા જ મહત્વનાં હિન્દુ ગ્રંથો રચવામાં આવ્યા.

નકારાયેલી આર્ય જાતિવાદની માન્યતા વિષે મારાં અગાઉનાં બ્લોગમાં ચર્ચા થઈ છે. એનું જ પ્રતિરૂપ છે આ દ્રવિડિયન જાતિવાદની માન્યતા. બંને બાબતો હાનિકારક છે અને બંને ખોટી પુરવાર થઈ ચુકી છે. આ માન્યતા મુજબ દ્રવિડિયન પ્રજા ભારત ઉપખંડનાં મૂળ રહેવાસીઓ હતાં અને તેઓને દક્ષિણ ભારત પર્યન્ત આક્રમણકારી ગોરી ચામડી વાળા અને ભિન્ન જાતિના આર્યોએ ખદેડી દીધા હતાં

ભારતમાં રાષ્ટ્રીય સ્તર પર કોઈ “આર્યન” રાજકીય પક્ષ ભલે નથી પણ દક્ષિણ ભારતનાં તમિલ નાડુની  મુખ્ય ઓળખનું દ્રવિડીકરણ કરાયું હોવાથી આ વિઘાતક જોડી જીવિત રહેલી છે. આર્યન/દ્રવિડ કથા (માન્યતા) એકબીજા ઉપર નિર્ભર છે અને એનો સમાજમાં સંઘર્ષ અને હિંસા (જેમ કે છેલ્લાં થોડાં વર્ષો પહેલા શ્રીલંકામાં) ફેલાવવામાં સફળતાપૂર્વક ઉપયોગ કરાયો છે.

દ્રવિડિયન જાતિવાદનાં સિદ્ધાંતનો જન્મ 19મી સદીનાં યુરોપિયન શિક્ષણમાં થયો જયારે સંસ્થાનવાદી અને evangelical+ (ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવાવાળાં ચર્ચનાં પ્રતિનિધિઓ) એમ બંને જૂથોએ માનવવંશીય અને ભાષાકીય વિષયોને લગતા શિક્ષણનો ઉપયોગ કાલ્પનિક ઈતિહાસ અને જાતિઓની રચના કરવામાં કર્યો. એક તરફ યુરોપિયન વિદ્વાનો સંસ્કૃત ગ્રંથોને યુરોપિઅનોનાં વારસા તરીકે પચાવી પાડવાની વેતરણમાં હતા તો બીજી તરફ બ્રિટીશ ભાષાશાસ્ત્રીઓ ફ્રાન્સિસ એલીસ અને એલેક્ઝાન્ડર કૅમ્પબેલ ભારતમાં રહીને એ સિદ્ધાંત ઉપર કામ કરતાં હતા કે દક્ષિણ ભારતની ભાષાઓ ઉત્તર ભારતની ભાષાઓથી ભિન્ન સ્રોતમાંથી ઉદ્ભવી છે. તદુપરાંત અન્ય બ્રિટીશ નિયુક્ત પંડિત બ્રાયન હ્યુટન હૉજસન “tamulian” પરિભાષાને જાતિવાદનાં ખાનામાં બેસાડવાનો એમ કહીને  પ્રયાસ કરી રહ્યાં હતાં કે આ કહેવાતા ભારતનાં “aborigines” પરદેશી આર્યન પ્રજા કરતાં પછાત અને જંગલી હતાં.

પણ એ તો આંગ્લ ચર્ચનાં પંડિત-ઈવાંજેલિસ્ટ બિશપ રૉબર્ટ કાલ્ડવેલ (1814-91) હતાં જેમણે આજે પ્રચલિત થયેલ છે એ  દ્રવિડિયન સિદ્ધાંતનો પથ કંડાર્યો.

એમનાં પુસ્તક ” Comparative Grammar of the Dravidian Race” માં તેઓ દાવો કરે છે કે દક્ષિણ ભારતીયનું માનસ સંસ્કૃત માનસથી બંધારણમાં જ  ભિન્ન છે. ભાષાને લગતા અનુમાનોને એક જાતિવાદનાં સિદ્ધાંતમાં ખપાવી દેવામાં આવ્યો. એમણે દ્રવિડિયન પ્રજાને અણસમજુ અને જડભરત તરીકે વર્ણવી  અને બ્રાહ્મણોને-આર્યોનાં લુચ્ચા આડતિયાઓને-કસૂરવાર ઠરાવ્યાં આ પ્રજાનાં માથે સંસ્કૃત અને પોતાનો ધર્મ ઠોકી બેસાડીને એક હાથકડીમાં બાંધી દેવા માટે.

એમનાં ઉત્તરાધિકારી અને બીજા પ્રચંડ ધર્મપ્રચારક પંડિત બિશપ જી. યુ. પૉપે તમિલ “ક્લાસિકલ” કાળખંડને બિરદાવવાનું શરુ કર્યું એમ પ્રતિપાદિત કરીને કે એમાંનો  જે અર્થ  નીકળે છે એનો સંબંધ હિન્દૂ ધર્મ સાથે નહિ બલ્કિ ખ્રિસ્તી ધર્મ સાથે છે. જો કે પાછળથી નિષ્ઠાવાન તમિલ સંસ્કૃતિનાં વિદ્વાનો દ્વારા એ માન્યતાનો અસ્વીકાર થયો છતાં એ વિચાર સફળતાપૂર્વક રોપી દેવાયો કે “મૂળભૂત રીતે શુદ્ધ” તમિલ સંસ્કૃતિને નીતિભ્રષ્ટ કરવા માટે હિન્દુઈઝમ જવાબદાર હતો.

તે દરમિયાન, વધું ને વધું તમિલ નેતાઓ દ્રવિડિયન ઓળખને વધાવવાં લાગ્યાં. અને પરિણામે ઝનૂની તમિલિયતનો ઉદ્ભવ થયો જે શરૂઆતમાં ધાર્મિક નહિ પણ બિનસાંપ્રદાયિક હતી. આને પોષણ મળ્યું એક એવી માન્યતાથી કે હિન્દી મહાસાગરમાં એક સમયે, ખોવાઈ ગયેલ, લેમૂરિયા નામનો એક ખંડ (એટ્લાંટીસ ખંડની દંતકથા માફક) હતો જે દ્રવિડિયન લોકોનો મૂળ દેશ હતો. લેમૂરિયાની ભવ્યતાનાં વૃત્તાન્તો ઐતિહાસિક હકીકત તરીકે બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભણાવવામાં આવવાથી પ્રાદેશિક સંઘર્ષ વધું પ્રબળ બન્યો. ભારતની સ્વતંત્રતા પછી દ્રવિડિયન ઓળખે રાજકારણમાં પ્રવેશ કર્યો અને હવે એ ઓળખ રાજ્યમાં  સત્તા માટેની રમતનું અતિ મહત્વનું અંગ બની ગઈ છે.

આ દ્રવિડિયન ઓળખને હવે વધું ને વધું ખ્રિસ્તી ઓળખમાં ખપાવવામાં આવી રહી છે. “આર્યન” બ્રાહ્મણોનાં આક્રમણ અગાઉ “લગભગ-ખ્રિસ્તી” જેવાં ધર્મનાં અસ્તિત્વને “શોધી” કાઢવાં માટે અચાનક ખૂબ બધાં લખાણોનાં ફેલાવા થકી એક નવાં “દ્રવિડિયન ખ્રિસ્તી” ધર્મનો આવિષ્કાર કરાયો છે. આ યોજનાનો હેતુ તમિલ સંસ્કૃતિ, ભાષા અને ગ્રંથોને હિન્દુત્વથી વ્યવસ્થિતપણે જુદાં તારવી ચોખ્ખાં કરીને “સ્વાહા” કરી જવાનો છે. ખ્રિસ્તી અર્થઘટન અને ખ્રિસ્તી પરિભાષાની અવેજીનું  રોપણ તમિલ હિન્દૂ સંસ્કૃતિમાં ખુબ જ આત્મસાત કરાયેલાં ચિન્હો, કલાકારીગરીની ચીજો અને સાહિત્યલેખનમાં થઈ રહ્યું છે.

મુર્ખામીભર્યો દાવો એ છે કે શ્રેષ્ઠ તમિલ સાહિત્યનું મૂળ શરૂઆતનાં ક્રિશ્ચિયન કાળમાં છે. શ્રેષ્ઠ તમિલ સાંસ્કૃતિક પરંપરાનાં બે ભાગ છેઃ એક  “થિરૂકુરાલ” તરીકે ઓળખાતા નીતિશાસ્ત્રને લગતાં વિષય બાબત (ટૂંકમાં કુરાલ, મહાન ઋષિ થિરુવલ્લુવર રચિત) અને વ્યવહારદક્ષ વેદાંત તત્ત્વજ્ઞાનનો ભંડાર જે શૈવ સિદ્ધાંત તરીકે ઓળખાય છે જેનું મૂળ વેદોમાં છે અને જેનું પોષણ ઘણાં તમિલ મહાપંડિતોએ સદીઓ દરમિયાન કર્યું છે. દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટી આ બંને પાયાની કૃતિઓને પચાવી પડે છે એમ દાવો કરીને કે એમની ઉપર ક્રિશ્ચિયન પ્રભાવ છે. આ દાવાને વિશ્વાસપાત્ર બનાવવાં માટે કુરાલની રચનાની  ક્રિશ્ચિયન-પૂર્વેની તારીખને બદલીને પછીની તારીખનાં કાર્યમાં ખપાવાય છે.

કથાનું સ્વરૂપ એવું અપાયું છે કે સેઈન્ટ થોમસ (એપૉસ્ટલ, ઈશુ ખ્રિસ્તનાં બાર શિષ્યોમાંનાં એક) દક્ષિણ ભારતમાં આવ્યા હતાં અને મહાન ઋષિ થિરુવલ્લુવરને ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આપ્યું જેઓ ખ્રિસ્તી ધર્મથી પ્રભાવિત થયા હતા. પણ તેઓ સેઈન્ટ થોમસે આપેલો સંદેશો ચોક્કસપણે સમજી ન શક્યા. આ અવારનવાર તાજેતરમાં પ્રકાશિત થઈ રહેલ  ચિત્રોમાં બતાવાઈ રહ્યું છે, જેમાં આ ઋષિ સેઈન્ટ થોમસનાં ચરણોમાં બેસીને કાગળ ઉપર નોંધ લેતા બતાવાય છે. સંસ્કૃતને એ રીતે ઉતારી પાડવામાં આવી છે કે આ ભાષાને સેઈન્ટ થોમસે રચી હતી ખ્રિસ્તી ધર્મનો સંદેશો ઉત્તર ભારતની જંગલી પ્રજામાં ફેલાવવાં માટે.

ભારતીય ચર્ચ અવારનવાર સેઈન્ટ થોમસની ભારતની મુલાકાતની બાબતને ટેકો આપવા પુરાતત્વીય શોધની ઘોષણા કરતાં રહ્યા છે પણ એમાંની એકેયને વ્યવસાયી પુરાતત્વવિદે સ્વીકૃતિ આપી નથી. વિખ્યાત જેસ્યુટ (Jesuit) પુરાતત્વવિદ્દ ફાધર હેરસે ચેન્નાઈમાં મળી આવેલાં કહેવાતા થોમસ ટોમ્બને નકારી કાઢ્યો છે.

પશ્ચિમી ચર્ચો અબજો ડોલર્સ તમિલ નાડુમાં મોકલે છે જે ભારતીયોનાં ધર્મપરિવર્તન માટેનું મુખ્ય મથક છે. બૌદ્ધિક છેતરપિંડી અને પૂર્વગ્રહનો પ્રસાર અકલ્પનિય પ્રમાણમાં કરાયેલ છે. પણ સાથે સાથે ચર્ચની રાજકીય વગને કારણે આ કાર્યસૂચિને મહાવિદ્યાલયનાં શોધખોળ વિભાગમાં, શિક્ષણમાં, મ્યુઝિયમમાં, રાજકારણમાં અને ફિલ્મોમાં પગપેસારો કરવાનું શક્ય બન્યું છે. રાજ્ય સરકાર સેઈન્ટ થોમસ ઉપર ભવ્ય ચલચિત્ર બનાવવાં માટે મદદ પણ કરી રહી છે જેથી આ દંતકથા લોકપ્રિય બની શકે.

આ દ્રવિડિયન ખ્રિસ્તી આંદોલને છેલ્લાં દાયકા  દરમિયાન આંતરરાષ્ટ્રીય પરિષદોની હારમાળાઓ યોજી છે જેમાં એમનાં પંડિતોએ ભારતીય ધાર્મિક ઈતિહાસને બદલવાનાં અમર્યાદ પ્રયાસો કર્યા છે. તેઓ દાવો કરે છે કે ભગવદ્દ ગીતા, તમિલ ગ્રંથો અને સંસ્કૃત ભાષા પણ ઈશુ ખ્રિસ્તનાં પછી અને  ખ્રિસ્તી ધર્મનાં પ્રભાવને કારણે રચાયા છે. તરંગી લેમૂરિઅન થિઅરીને પણ આવે વખતે આગળ કરાય છે. સન 2005માં ન્યૂ યોર્કમાં બરાયેલી પરિષદનો વિષય હતો, ” ભારતમાં ખ્રિસ્તી ધર્મનાં શરૂઆતનાં સમય વિષે આંતરરાષ્ટ્રીય પરિષદ”.

સેનેટર હિલેરી  ક્લિન્ટને આ સંદેશાથી પરિષદને વધાવી:

“મને વિશ્વાસ છે કે આ પરિષદમાં પ્રસ્તુત કરાયેલાં સાધનો ખ્રિસ્તી ધર્મનાં મધ્યકાલીન અને પ્રાચીન ભારત ઉપર પડેલા પ્રભાવ અને તે દ્વારા અસર પામેલાં એનાં  સાંસ્કૃતિક અને રાજકીય લક્ષણો ઉપર પ્રકાશ પાડશે.”

દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટીએ બહું ઉન્નત શિખરો સર કર્યા છે. દાખલા તરીકે, માર્વિન ઓલાસ્કી, અમેરિકાનાં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના સલાહકારે જાહેર કર્યું હતું કે હિન્દૂ ધર્મનાં બે મુખ્ય સંપ્રદાયો -વૈષ્ણવ અને શૈવ- હિન્દૂ ધર્મમાંથી નહીં બલ્કે શરૂઆતનાં ખ્રિસ્તી ચર્ચમાંથી ઉદ્ભવ્યા હતા, કદાચ એપૉસ્ટલ થોમસના ઈસવી સન 52 થી 68નાં સમયગાળા દરમિયાન.કરાયેલાં હસ્તક્ષેપને લીધે.  તેઓ એમનાં અમેરિકન વાચકોને એ સમજાવવાં આગળ વધે છે કે ખ્રિસ્તી ધર્મે  હિન્દૂ ધર્મને કઈ રીતે મુખ્ય વિભાવનાઓ પ્રદાન કરી.

બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તકમાં હું બતાવું છું કે કઈ રીતે ખ્રિસ્તી ચર્ચ દ્વારા ભંડોળ મેળવનારી સંસ્થાઓ અને પંડિતો વચ્ચેનું વગદાર ગઠબંધન, મોટે ભાગે પશ્ચિમી સરકારો દ્વારા ટેકો મેળવતાં, મોટે પાયે બ્રિટિશ શાસનકાળ દરમિયાન થતાં જોડ-તોડનું પુનરાવર્તન કરી રહ્યા છે. તે દરમિયાન, ચેન્નાઈનાં એક ખુબ મહત્વનાં જાહેર સ્થળે રોબર્ટ કાલ્ડવેલનું એક ભવ્ય પૂતળું ઉભું છે જેમણે તમિલ લોકોને તેમનો “સાચો ઈતિહાસ” આપ્યો.

Footnotes:

+       ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવાવાળાં ચર્ચનાં પ્રતિનિધિઓ

Comments

comments