યુરોપિઅનો દ્વારા સંસ્કૃતને પચાવી પડવાને લીધે આર્ય વંશવાદની માન્યતાની શરૂઆત

આ બાબત બહુ ઓછી વિદિત છે કે યુરોપિઅન પ્રજાની બહુમૂલ્ય એવાં સંસ્કૃતનાં પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથો માટેની શોધ અને આ તેમના દ્વારા આ ગ્રંથોને પચાવી પાડવાને ફળસ્વરૂપે આર્ય વંશની ઓળખની માન્યતાનો જન્મ થયો, જે  “નાઝીઝમ”નાં સિદ્ધાંતોનાં મૂળોમાંનું એક છે. સંસ્કૃત શબ્દ આર્ય એક વિશેષણ છે જેનો અર્થ કુલીન અથવા નિષ્કલંક એવો થાય છે. દાખલા તરીકે, પ્રસિદ્ધ બુદ્ધ ધર્મનાં ચાર કુલીન સત્યોનું વર્ણન ચાર આર્ય સત્યો અથવા સંસ્કૃતમાં ચત્વારિ આર્યસત્યાનિ કોઈ વંશ તરફ નિર્દેશ નથી કરતું, પણ સંસ્કૃતનાં ગ્રંથોમાં રહેલી સંસ્કારિતા માટેનાં પુજ્યભાવને સંબોધે છે.

જર્મન રાષ્ટ્રવાદે આ શબ્દને “આર્ય” તરીકે નામમાં ઉપયોગમાં લઈ લીધો અને એને એક એવી કાલ્પનિક વંશ કે જાતિ તરીકે પ્રસ્તુત કરી જે સંસ્કૃત ભાષા બોલનારી અને આ ભાષાનાં ગ્રંથો રચનારી અસલ પ્રજા હતી. શરૂઆતનાં જે ભાવનાપ્રધાન દાવા હતા કે ભારતીયો યુરોપિયનોના પૂર્વજ હતા એ સિદ્ધાંતને ધીરે ધીરે “ઈન્ડો-યુરોપિયન” એ બંને પ્રજાના એક જ પૂર્વજ હતા એવી  કાલ્પનિક માન્યતામાં પરિવર્તન કરાયું.

એમનું મૂળ સ્થાન કૉકેસસ પર્વતમાળામાં હોવાનું મનાવાથી કૉકેશિઅન વર્ણન પ્રચલિત થયું. પાછળથી ઈન્ડો શબ્દને પડતો મુકવામાં આવ્યો અને શ્વેત આર્ય વંશની માન્યતાનો ઉજાગર થયો. આમ યુરોપિયનોની સંસ્કૃતની સંસ્કારિતાનાં વારસ હોવાની અભિલાષામાંથી યુરોપિયન સુપર વંશ માન્યતાનો જન્મ થયો, જેમાં જર્મની સૌથી સ્પષ્ટ રીતે ટોચ ઉપર રખાયું.

આ બન્યું કેવી રીતે? અઢારમી સદીનાં અંતમાં યુરોપિયન ઓળખને આઘાત લાગ્યો જયારે વિદ્વાનોએ શોધ્યું કે યુરોપિયન ભાષાઓ સંસ્કૃત સાથે ખુબ નજીકનો સંબંધ ધરાવે છે પણ સંસ્કૃત ઘણી વધારે પ્રાચીન અને વ્યવહારદક્ષ છે. શરૂઆતમાં આ શોધ યુરોપિયન રોમાંચકરી કલ્પનાને પોષણ આપનારું નિવડી જેમાં ભારતને એક દક્ષ ભૂતકાળ તરીકે વિભૂષિત કરાયું. હર્ડર નામનાં જર્મન રોમેન્ટિસિસ્ટે યુરોપે કરેલી ભારતની શોધને યુરોપનાં પોતાનાં મૂળિયાને પુનઃ શોધી કાઢવા  જેવી બાબત ગણાવી. જર્મનીનાં ફ્રેડેરિક સ્ક્લેગલે અને ફ્રાન્સનાં વોલ્ટેરે ભારતને યુરોપની સંસ્કૃતિની જનની તરીકે દર્શાવ્યું. બ્રિટિશ વસાહતી વહીવટકર્તા વિલિયમ જોન્સનાં મતે સંસ્કૃત એ માનવ મનનું અસાધારણ ઉત્પાદન હતું. સન 1800 થી 1850 દરમિયાન સંસ્કૃત અને ઈન્ડોલોજીના અભ્યાસનો મોટાં  ભાગનાં યુરોપનાં મહત્વનાં મહાવિદ્યાલયોમાં સમાવેશ કરાયો. લેટિન અને ગ્રીકને એક પડકારરૂપ  નવાં વિચારોનાં સ્ત્રોત તરીકેની આ ઘટના કહી શકાય, ભલે એમનું (આ બંને ભાષાઓનાં અભ્યાસનું) સ્થાન ગ્રહણ ના કર્યું હોય. આ બૌદ્ધિક પ્રવૃત્તિને ફળસ્વરૂપે ઘણી નવી વિદ્યાની શાખાઓને આકાર અપાયો જેમ કે ભાષાશાસ્ત્ર, તુલનાત્મક ધર્મો, અર્વાચીન તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્ર.

એક તરફ યુરોપનાં દેશો અંદર અંદર સંસ્કૃતિનાં વારસાને હસ્તગત કરવાં માટે હરીફાઈ કરી રહ્યાં હતા તો બીજી તરફ સંસ્કૃત ભાષાનાં અસલ બોલનારાઓ  અને તેમની સંસ્કૃતિના મૂળ વિષે ઘણી વિપરીત માન્યતાઓ પણ જન્મી. જર્મન રાષ્ટ્રવાદીઓએ સંસ્કૃત અને જર્મન વચ્ચેનાં સંબંધને ફ્રેન્ચની સામે એક નવીન સન્માનજનક વારસા તરીકે સ્થાન મળી શકે એવી શક્યતા ગણી અને પોતાની માન્યતાઓને સમર્થન આપવા માટે સંસ્કૃતનાં અમૂલ્ય ભંડારના વારસા ઉપર દાવો કર્યો. અંગ્રેજોએ ભારત અને સંસ્કૃતનું એવી રીતે અર્થઘટન કર્યું કે જેથી તેમની પોતાની સામ્રાજ્ય સ્થાપવાની ભૂમિકા વધું પ્રબળ બને અને ભારત એમનાં તાજનો મણિ બને. યુરોપિયન મંચ ઉપર ભારત સહભાગી ન થઈ શક્વાને કારણે બહોળા પ્રમાણમાં ભારતીય ગ્રંથોની ચોરી થઈ અને ગ્રંથોનાં અર્થઘટનને  પણ  વિકૃત કરવામાં આવ્યું.

યુરોપિયન લોકોને લાગ્યું કે તેઓ આર્ય “હોવાથી” સંસ્કૃતનાં ગ્રંથોનાં વિરાટ સંગ્રહનાં યોગ્ય હકદાર તેઓ પોતે છે જેમાંથી માનવશાસ્ત્ર અને “લિબરલ આર્ટસ” જેવા વિષયોમાં નવા સોપાનો સર થઇ રહ્યા હતાં. જર્મન લોકોએ પોતાની નવી ઓળખને છેક extreme સુધી લઈ ગયા અને મોટાં ભાગનાં સમકાલીન યુરોપિયન વિચારકોએ આ વાતને મૂક સમર્થન આપ્યું. જાતિવાદની માન્યતાઓમાં મોટે ભાગે યહૂદીઓ વિરુદ્ધનાં પરિમાણો હતાં જેનો હેતુ બાઈબલને આર્યન પરિભાષામાં પુનઃનિર્માણ કરવાનો હતો. ભાષાવિદ્દ અને હિબ્રુ ભાષાનાં વિદ્વાન અર્નેસ્ટ રેનને યહૂદીઓ અને આર્યન ભાષાઓમાં તેમજ  એ લોકોમાં ઘણો તફાવત હોવાનું જણાવ્યું. એણે સૂચવ્યું કે આર્ય લોકો ભલે અનેક દેવોને પૂજનારા હતાં પણ પછીથી તેઓ એક દેવને પૂજનારા ખ્રિસ્તી બની ગયા અને યહૂદી લોકો સંપૂર્ણપણે ભિન્ન અને હલકી જાતિના લોકો હતાં. સ્વિસ ભાષાનાં વિદ્વાન અને એથનોગ્રાફર એડોલ્ફ પિકટેલ સંપૂર્ણપણે માનતો કે એ નિર્ધારિત છે કે સમગ્ર વિશ્વ ઉપર યુરોપિયન આર્યો શાસન કરશે જેઓ જન્મજાત સુંદરતા અને તીવ્ર બુદ્ધિમત્તા પામેલા છે. એમણે જિસસને યહૂદીઓથી જુદાં પાડીને આર્યન ક્રિસ્ટ તરીકે ઓળખાવ્યાં.

અવિકસિત એવી આ “રેસ સાયન્સ (જાતિવાદનું વિજ્ઞાન)”ની વિદ્યાની શાખા આવાં વિચારોથી વધું સમૃદ્ધ બની. ફ્રેન્ચ રાજદૂત, ફિલસૂફ અને ઈતિહાસવિદ્દ જોસેફ કોમ્તે દ ગોબીનોએ તેનાં ખુબ જ પ્રભાવક નિબંધ “માણસ જાતની વંશીય વિષમતા (Inequality of Human Races)”માં દલીલ કરી કે બાઈબલમાં  જેનો ઉલ્લેખ થયેલો એ “આદમ” શ્વેત વંશીઓનો સર્જક હતો.તેણે શ્વેત લોકોનાં ચઢિયાતાંપણા વિષે લખ્યું અને તેમાંય આર્યન “કુટુંબીઓ”નાં ચઢિયાતાંપણા પર વધુ ભાર મુક્યો.

એની ભારત ઉપરની “થીસીસ”માં એણે દાવો કર્યો કે શ્વેત આર્યોએ ભારતમાં અતિક્રમણ કર્યું હતું અને ત્યારબાદ સ્થાનિક પ્રજા સાથે આંતર વિવાહ કરવાની શરૂઆત કરી. આંતર વિવાહનાં ભયસ્થાનોને કારણે કાયદાનાં ઘડનારા આર્યોએ પોતાની “મૂળ” જાતિની જાળવણી માટે જાતિ-પ્રથાનું નિર્માણ કર્યું. ભારતને એક ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરાયું કે ઉતરતી વંશીય પ્રજા સાથે આંતર-પ્રજનનને કારણે ચઢિયાતી પ્રજાની કેવી રીતે પડતી થાય છે. હિટલરનાં આર્યોનાં શુદ્ધિકરણ કરવાનાં વિચારોનો જન્મ આ માન્યતાઓમાંથી થયો જેની ફલશ્રુતિ તરીકે હોલોકોસ્ટ થયો.

બ્રિટિશ ઈતિહાસકાર હયુસ્ટન ચૅમ્બરલેઈનનાં ગ્રંથ “ઓગણીસમી સદીનાં પાયા(જર્મનમાં લખાયેલ)”માં પણ આર્યોનાં વંશમાં આર્યન-જર્મન પ્રજા સૌથી વધું વિકસિત છે એ બાબતને પ્રસ્તુત કરાઈ. આ બાબતને  વિશ્વષનિયતા પ્રાપ્ત થાય એ માટે એમણે ક્રિશ્ચિયન, વૈજ્ઞાનિક અને તત્વજ્ઞાન વિષયોને લઈને દલીલો કરી અને સમજાવ્યું કે જર્મન વંશવાદની માન્યતાને ટેકો આપવાથી ખ્રિસ્તી ધર્મને જ ફાયદો થશે. માનવશાસ્ત્રી (Anthropologist) કેનેથ કેનેડીના મતે ગોબીનો અને ચૅમ્બરલેઈન બંને જણાંની આર્યન વિચારધારાનું રાજકારણમાં અને ઍડોલ્ફ હિટલરનાં જાતિવાદનાં સિદ્ધાંત “થર્ડ રાઈક (Third Reich)”માં પરિવર્તન પામ્યું, જેનું મૂળ જોન્સ દ્વારા અઢારમી સદીનાં અંતમાં કલકત્તામાં ભાષાશાસ્ત્રનાં કરાયેલ અભ્યાસમાં રહેલું હતું.

2007ની સાલમાં એક ઐતિહાસિક સીમાચિન્હ જેવાં બનાવમાં મેં એક મહત્વનો ભાગ ભજવ્યો હતો જયારે મને સૌ પ્રથમ હિન્દુ-યહૂદીઓની શિખર પરિષદને સંબોધવાનું આમંત્રણ અપાયું હતું. મેં આર્યન દંતકથા અને એને કારણે બંને ધર્મિક સમાજને ભોગવવી પડેલી યાતના વિષે મારી વાત મૂકી. અમુક હિંદુઓને એક ડર હતો કે ઉખેડવાં માટેનો આ એક જોખમી વિષય હતો પણ યહુદીઓના પ્રતિનિધિમંડળનાં વડા અને ઈઝરાઈલનાં Commission for Inter-religious Dialogueનાં Chief Rabbinateનાં સભ્ય રબી રોસેન બહું પ્રભાવિત થયા. યહૂદીઓનાં પ્રાતિનિધિમંડળે આ વિષયનાં અભ્યાસ માટે એક વિદ્વાનોનું જૂથ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો. એને પરિણામે એ પછીનાં વર્ષની શિખર પરિષદમાં એક સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર થયા જેમાં નીચેનાં નિવેદનો મારાં સુચનમાંથી લેવાયા હતા.

“કારણ કે કોઈ પ્રમાણભૂત પુરાવા ભારતમાં થયેલ આર્યન આક્રમણ/હિજરતને ટેકો આપવા માટે મળતા નથી અને એથી ઉલટું એવા ચોક્કસ પુરાવા છે જે આ માન્યતાનું ખંડન કરે છે અને એમ હોવાથી આ માન્યતા જે હિન્દૂ પરંપરાની અખંડિતતાને અને એની ભારત સાથેનાં જોડાણને નુકશાન પહોંચાડે છે તેથી આ માન્યતાનો ગંભીરપણે પુનર્વિચાર કરવા અને આ વિષયને લગતા સૌ કોઈ અભ્યાસક્રમમાં ફેરબદલ કરવાં, જેમાં તાજેતરનાં અને વિશ્વાસપાત્ર ગણાતા હોય એવા બધાંમાં, અમે નિવેદન કરીયે છીએ”.

આજે પશ્ચિમી મુખ્યધારાએ “આર્યન જાતિ”નાં વિચારને શબ્દકોશમાંથી અને જનસમુદાયનાં મનમાંથી કાઢી નાંખવા ખાસ મહેનત કરી છે. પરંતુ, મારાં તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તક “બ્રેકિંગ ઈન્ડિયા” બતાવે છે કે ભારતને હાનિ ઘણી પહોંચી છે. બ્રિટિશ મિશનરીઓએ ઓગણીસમી સદીમાં આર્યન અતિક્રમણની માન્યતા સાથે સાથે દ્રવિડિયન જાતિવાદની માન્યતા પણ ઘડી કાઢી હતી જે ભારતની પ્રજાને આર્ય જાતિ  અને દ્રવિડ જાતિમાં વહેંચી દે છે. પશ્ચિમી વિદ્વાનો અને સંસ્થાઓ આ દ્રવિડિયન જાતિવાદને ટેકો આપી રહ્યા છે જે આર્યન જાતિવાદની માન્યતાની સ્વીકૃતિના આધાર પર જ રચાયેલી છે.

મારાં ભવિષ્યનાં બ્લોગમાં હું સમજાવીશ કે કઈ રીતે ખ્રિસ્તી મિશનરીઓ આ હાનિકારક માન્યતાનો પોતાનાં સ્વાર્થ માટે ગેરલાભ ઉઠાવે છે.

Written by: Rajiv Malhotra

Translated by: Udit Shah

Comments

comments